CREATIVE CORNER

રસ્તા બધાં દોડીને થાકી ગયાં છે !
તોય કેટલાંક સરનામાં બાકી રહ્યાં છે !

છવાયો છે નશો આજ તમારી નજરનો
આજ નયનો તમારાં કેમ સાકી થયાં છે !

કર્યા'તાં જે વાયદાઓ નબળી ક્ષણોમાં
એક એક કરી જિંદગી આખી નડ્યા છે !

વરસો પછી મળ્યાં તો ભેટી પણ પડ્યાં
તેમ છતાં થોડુંક અંતર રાખી મળ્યાં છે !

પડ્યો છે લાગણીનો કેવો સૂક્કો દુકાળ
આંખિયુંના કૂવા સાવ ખાલી પડ્યા છે !

——ઉદય ચંદ્રકાંત

વળ્યો સપનાંનો કચ્ચરઘાણ, શું કરીએ !
ડૂબ્યું કિનારે આવીને વહાણ, શું કરીએ !

ઊતરી ગયાં કેવાં બધાંયે સાવ ચુપચાપ
મને ન કરી કોઈએ પણ જાણ, શું કરીએ !

દરદ હતું બહુ પુરાણું ને છેવટ સુધી રહ્યું
જડ્યો ન ઇલાજ કોઈ રામબાણ, શું કરીએ !

હજી તો કરી હતી શરૂઆત નામ લેવાની
ત્યાં મચી ગયું કેવું રમખાણ, શું કરીએ !

મિત્રો બધાં પાસે રહી જોતાં રહ્યાં કેવાં
સળગતું રહ્યું ઘર સરિયામ, શું કરીએ !

——-ઉદય ચંદ્રકાંત

કોયલડીએ કૂહૂ કૂહૂમાં વાત વહેતી કીધી!
ભમરાઓએ ઝીલી લઈને ફૂલોને કહી દીધી !...

ફૂલનાં ચહેરા લાલગુલાબી મુખથી કંઈ નવ બોલે !
કળીઓ થૈ કંઈ બહુ ઉતાવળી ઘૂંઘટ પાનનો ખોલે !
પતંગિયાએ પાંખ ફેલાવી નજરું કીધી સીધી !
કોયલડીએ કૂહૂ કૂહૂમાં વાત વહેતી કીધી !

સરવાં કરી કાન હરણાં વહેતી હવાને સૂંઘે !
વડલા ડાળે બેઠું ઘુવડ ઊંધું ઘાલી ઊંઘે !
ડુંગર ઠેકતાં ઝરણાંએ ચાલ બદલી લીધી !
કોયલડીએ કૂહૂ કૂહૂમાં વાત વહેતી કીધી !

પંખ ફેલાવી મોરલિયો કંઈ ગ્હેકે આખી રાત !
વાદળ કનેથી જાણી લીધી મેઘા કેરી વાત !
ધરતી કેરો લાડો આવે કોણે ચોળી પીઠી !
કોયલડીએ કૂહૂ કૂહૂમાં વાત વહેતી કીધી !

——-ઉદય ચંદ્રકાંત

મને વરસાદ સાંભર્યો છે !
બહુ ધોધમાર સાંભર્યો છે !
પલળવા દે,
આજે મને વરસાદ સાંભર્યો છે !

યાદ છે ?
છબછબિયાંનાં છાંટા કેવાં છપ્પાક દઈને વાગ્યાં'તા !
યાદ છે ?
નેવાં નીચે ન્હાતાં ન્હાતાં એકબીજામાં કેવાં નાઠાં'તાં !
મેં તો છાલક છાલક છાવર્યો છે !
આજે મને વરસાદ સાંભર્યો છે !
બહુ ધોધમાર સાંભર્યો છે !

યાદ છે ?
મારી હોડી, તારી હોડી કરતાં ક્યાંયે આગળ જઈને ડૂબી'તી !
યાદ છે ?
પરપોટાંને વીણતાં વીણતાં તેં મારી આંગળી પકડી લીધી'તી !
એ વરસાદ તેં ક્યાં સંઘર્યો છે ?
આજે મને વરસાદ સાંભર્યો છે !
બહુ ધોધમાર સાંભર્યો છે !

——ઉદય ચંદ્રકાંત

સામે કાંઠે ભાગ્ય બેઠું,આ કાંઠા પર હું !
જોઈએ હવે, થાય છે શું !

આમ લાગતું હાથવેંતમાં, આમ જોજન જોજન દૂર !
બન્ને કાંઠા વચ્ચે વહેતું સંભાવનાનું પૂર !
હું જોઉં તો એ મોઢું ફેરવે, એ જુવે તો હું !
જોઈએ હવે, થાય છે શું !

કદીક ફેંકી એક તરાપો, મુજને એ બોલાવે !
હુંયે જાણું એનો પેંતરો, ફોગટમાં લલચાવે !
હું બોલાવું કહી 'ભાગ્ય દેવતા', મને એ કહેતો 'તું' !
જોઈએ હવે, થાય છે શું !

———ઉદય ચંદ્રકાંત

તું અહીં પ્રવાસી છો, ભુલતો નહીં !
જિંદગી નાવ, તું ખલાસી છો, ભુલતો નહીં !

તારે ચિત્તડે ચીતરાયું હોય જો મોરપિચ્છ
તો તું જ મથુરાં ને કાશી છો, ભુલતો નહીં !

બહેકવાના થોડાં ગોતી લે બહાનાં તુંયે
તું જ મય, ને તું જ સાકી છો, ભુલતો નહીં !

નથી હાર તારી, ન જીત પણ તારી છે
તું એક મોહરો સિયાસી છો, ભુલતો નહીં !

છે એક પરપોટા સમ વજૂદ તારું અહીં
પવનનાં ઝોંકાનો સાથી છો, ભુલતો નહીં !

——-ઉદય ચંદ્રકાંત

વરસાદનાં કોઈ વાવડ હોય, તો આવજે !
આંખમાં એકાદ વાદળ હોય, તો આવજે !

માછલીને ગોતવા નીકળ્યો છું રણમાં
દરિયાનો કોઈ કાગળ હોય, તો આવજે !

છે બધાંયે તીરથ કરવાના હજી બાકી
ખભા પર તારા કાવડ હોય, તો આવજે !

સપનાંમાં તો મનેય આવે છે રોજેરોજ
તું બોલાવે ને હાજર હોય, તો આવજે !

હજીતો હમણાંજ ખોલ્યાં છે કમાડ આ
તને બહુ જ ઉતાવળ હોય, તો આવજે !

———ઉદય ચંદ્રકાંત

તું આવી હોય ઘરે ને વરસાદ પડે, તો મજા પડે !
અચાનક તારો હાથ મારા હાથને અડે, તો મજા પડે !

હું કરી લઉં બન્ને આંખો બરાબર બંધ જરા વાર
ને ખોવાયેલું બધું એક સામટું જડે, તો મજા પડે !

હોય એજ ફળિયું, એજ ઘર ને લીમડાનું ઝાડ
બસ મારા નામની તકતી મળે, તો મજા પડે !

ફળી જાય મારું યુગો જૂનું એક સપનું ત્યારે
હું ચૂમવા જાઉં ને વચ્ચે તારી લટ નડે, તો મજા પડે !

વરસતો હોય મેઘો મુશળધાર મન દઈને ને
તું ભીંજાતી હો તરબોળ નેવાં તળે, તો મજા પડે !

——-ઉદય ચંદ્રકાંત

આજ શામળિયો ઘેરાણો આભમાં,
રાધા સમ ઝબકે છે વીજ !
આજ આવી અષાઢી બીજ !

આજ કાનાની વાંસળી થઈ વાગો
શ્યામ કેરા સોણલેથી જાગો
આજ માથે લગાવો મોરપિચ્છ !
આજ આવી અષાઢી બીજ !

આજ મનનાં કમાડ સૌ ખોલો
આજ મોરનાં ટહુકા થઈ બોલો
આજ રાખશો ન મનમાં કોઈ રીસ !
આજ આવી અષાઢી બીજ !

આજ મિસરીને માખણમાં ઘોળો
આજ આવશે નંદજીનો છોરો !
આજ સ્નેહ કેરાં રોપાશે બીજ !
આજ આવી અષાઢી બીજ !

————ઉદય ચંદ્રકાંત

NEWS AND HEADLINES

STUDENT NOTICE

IMPORTANT LINKS

ABOUT COLLEGE

Mansa is located in the rural area of North Gujarat and is mainly peopled by farmers.

A few leading citizens of Mansa dreamt of establishing an educational institution in Mansa for Higher Education and held a meeting on August 10, 1959 wherein the decision was taken unanimously. READ MORE


S.D. Arts and Shah B.R. Commerce College, Mansa

Sarvodaya Higher Education Society Manages
College Campus, Mansa-382 845
Dist: Gandhinagar,Gujarat, India
Tele-fax No.: (02763) 270191,
Tele-Phone No.: (02763) 270132,270191

E-mail: sdbrcollegemansa@gmail.com

COLLEGE TIMING:8:00AM TO 1:00PM



LOCATE US